રશિયા એ યુક્રેન પર હુમલો કરતા દુનિયા આખી આઘાત મા આવી ગઇ છે ત્યારે ઉચ્ચ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ની ચિંતા વધારી દીધી છે ત્યારે મોરબીની વધુ એક વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીની ત્યાં તબીબી અભ્યાસ કરતી હોય, યુનિવર્સિટીએ રજા જાહેર કરતા માંડ કરીને ટિકિટ પણ મળી પરંતુ ફ્લાઇટના થોડા સમય પૂર્વે જ રશિયાએ એરપોર્ટ ઉપર હુમલો કરી દેતા આ વિદ્યાર્થીની હાલ ત્યાં જ હોવાનું તેના પરિવારે જણાવ્યું છે.
મોરબીમાં મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કૂનપરાની દીકરી શૈલજાબેન કુનપરા યુક્રેનની માયકોલાઇવ સિટીમાં આવેલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસના ચોથા એટલે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેન- રશિયા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ યુનિવર્સિટીએ 19 ફ્રેબ્રુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખ્યું હતું. અને યુનિવર્સિટી છોડવાની પરવાનગી છેક 21 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવી હતી. જેને પરિણામે ઘણા પ્રયાસો બાદશૈલજાબેનને 24 ફેબ્રુઆરીની વાયા દુબઇ એરપોર્ટની એક ફ્લાઇટની ટિકિટ મળી હતી. જેના માટે 9 વાગ્યે ઓડેસા એરપોર્ટ ઉપર પહોંચવાનું હતું. પણ 8:45 એ આ એરપોર્ટ ઉપર રશિયાએ હુમલો કરી દીધો હતો. જેને કારણે બધી ફ્લાઇટ રદ થઈ હતી.
વધુમાં શૈલજાબેન યુક્રેનની પરિસ્થિતિ વિશે જણાવે છે કે આજે તો માયકોલાઈવ શહેરમાં રશિયન આર્મી છવાઈ ગઈ છે. તેમ છતાં જમીન ઉપર સિવિલયનને હુમલાનો ડર નથી. પણ હવાઈ હુમલાનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. હાલ શૈલજાબેન સાથે 10 ભારતીય વિદ્યાર્થીઓનું ગૃપ છે. આ તમામ વિદ્યાર્થીઓમાં હાલ ભયનો માહોલ છે.શૈલજાબેન તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. તેઓએ બપોરના સમયે જ પરિવાર સાથે મેસેજમાં વાત કરી હતી અને પરિવારને ચિંતા કરવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબીના રવાપર રોડ ઉપર ધેટ દીપકભાઈ દવેના પુત્ર કુલદીપ દવે યુક્રેનના ટર્નોપિલ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ યુક્રેનમાં ફસાયા હોવાનું ગઇકાલે સામે આવ્યું હતું. આજે વધુ એક વિદ્યાર્થીની પણ ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે એટલે હવે મોરબીમાં કુલ 2 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું જાણવા મળેલ છે.