ટંકારામાં વ્યાજખોરો નાં ત્રાસ થીં કંટાળી વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું
સુસાઇડ નોટના આધારે મૃતકના
પુત્ર એ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ટંકારા : હજું થોડાં દિવસો પહેલાં જ હળવદ નાં એક વેપારી એ વ્યાજખોરો નાં ત્રાસ થીં કંટાળી દવા પી આત્મહત્યા ની કોશિશ કરી હતી એ બનાવ ની હજુ શાહી સુકાઈ નથી ત્યાંજ ટંકારા માં બેફામ બનેલા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાય છે
જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના રેતી-કપચીના વેપારીએ કલ્યાણપુર નજીક આવેલ ઓઇલમીલની ઓફિસમાં ગળેફાંસો ખાઈ લેવા પ્રકરણમાં આજે મૃતકના પુત્રની ફરિયાદ તેમજ સ્યુસાઇડ નોટના આધારે 10 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને વ્યાજ મુદ્દલ સહિતના નાણાં ચૂકવી દેવા છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેતા વ્યાજખોરોના ત્રાસને કારણે જ વેપારીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ નજીક આવેલ રાજેશ્વરી ઓઇલ મિલની ઓફિસમાં ગત તા.18ના રોજ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોએ મૃત્યુ અંગે આશંકા વ્યક્ત કરતા રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટ કબ્જે કરવામાં આવી હતી.
દરમિયાન જગદીશભાઈની અંતિમવિધિ બાદ આજે તેમના પુત્ર કિશનભાઇ જગદીશભાઈ જીવાણીએ ટંકારા પોલીસ મથકમાં ચોંકાવનારી હકીકત સાથે તેમના પિતાજીને લજાઇના અશ્વિન બાબુભાઇ મસોત પાસેથી નાણાં લેવાના નીકળતા હોવા છતાં અશ્વિન નાણાં આપતો ન હોવાથી ચિંતામાં રહેતા હોવાનું ઉપરાંત મોરબી ટંકારા, મિતાણા સહિતના ગામના લોકો પાસેથી 6થી 7ટકા વ્યાજે લીધેલા નાણા વ્યાજ સહીત પરત ચૂકવી દેવા છતાં વ્યાજખોરો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હોય તેમના પિતાજીને આ વ્યાજખોરોએ મરવા મજબુર કર્યા હોય તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વધુમાં રેતી કપચીના વેપારી એવા મૃતક જગદીશભાઈ જીવાણીના પુત્રએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મોરબી ગુરુકૃપા ફાઇનાન્સ વાળા દિલુભા કણુભા ઝાલા, મીતાણાના બાબલાલ બોરીચા, વિક્રમ જેઠાભાઇ બોરીચા, ટંકારા રાજશક્તિ પાન વાળા માંડાભાઈ ભરવાડ, ટંકારાના દિપક રાણાભાઇ ભરવાડ, સંજય રાણાભાઇ ભરવાડ, નવઘણ રાણાભાઇ ભરવાડ, રામપરના મુન્નાભાઈ તલાસવાળા અને ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભલાભાઈ ધારાભાઈ ભરવાડ પાસેથી 5 થી 6 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ સહીત નાણા પરત ચૂકવી દીધા હોવા છતાં અવાર નવાર રૂબરૂ તેમજ ટેલિફોનમાં ધમકી આપવામાં આવતી હોય કંટાળી જઈ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું છે.
આ ચકચારી બનાવ અંગે ટંકારા પોલીસે મૃતક જગદીશભાઈના પુત્રની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 306,506(2) અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 5,33(3),40 અને 42 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે