ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન પાઠવીને ચીમકી આપી
ટંકારા : ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ઓટાળા ગામના માલધારીઓએ ગૌચરની ખરાબાની જમીન ખાલી કરવા અંગે મામલતદારને રજૂઆત કરી છે.મુંગા પશુઓના નિભાણ માટે ખરાબાની જમીન ખાલી કરાવી આપવાથી પશુપાલકોની કાયમી સમસ્યાનો અંત આવશે અને ખેડુતો સાથે સંઘર્ષ કે ઝઘડા થવાના બંધ થશે.જો આ રજૂઆત અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે ઓટાળા ગામે હે.આર.ચો.મી. ૧૦૮/૭૨/૬૮ નું ગૌચર છે. તેમ હે.આર.ચો.મી.૭૬/૬૩/૨૯ પોત ખરાબો છે.માલધારીઓની સમસ્યા એ છે કે મેઈન રોડ સુધી દબાણ કરેલ છે અને સીમના રસ્તાઓ સુધી દબાણ છે. પશુઓને લઈને નીકળી શકાતું નથી અને પશુઓના ચરિયાણ નથી.તો આ મુંગા પશુઓના નિભાણ કઈ રીતે થઈ શકે ? પશુઓને લઈને નીકળી તો ખેડુતો સાથે ઝઘડા થાય છે અને ખેડુતોના જીવ સમાજને માલનું નુકશાન કોઈને પોસાય નહીં.ગૌચર અને ખરાબો ક્યાં છે ? આ ગૌચર અને ખરાબો ચીન્હીત કરી ખાલી કરાવી આપશો તો પશુપાલકોની કાયમી સમસ્યાનો અંત આવશે અને ખેડુતો સાથે સંઘર્ષ કે ઝઘડા થવાના બંધ થશે.જ્યાં સુધી ગૌચર અને ખરાબા પરનું દબાણ દુર નહીં કરવામાં આવે ત્યાં સુધી સમસ્યાનું નિરાકરણ થશે નહીં અને આવા કારણે કોઈ ઝઘડા થશે તો તેની જવાબદારી અધિકારીઓની રહેશે.
અગાઉ ઓટાળા ગામે ખેડુતો અને બક્ષીપંચના લોકો વચ્ચે સંઘર્ષ થયેલો અને ગામ આખાએ પછાતવર્ગના ઘણા પાણી બંધ કરેલ હતા.હાલના સંજોગો જોતા ભય છે કે ફરીથી ગામ લોકો માલધારી( પશુપાલકો) સાથે આવા કારણે ઘણા પાણી બંધ કરી બહિષ્કાર કરશે.આવી ઘટના ન બને તેની આગમચેતી રૂપે ઓટાળા ગામના માલધારીઓ-પશુપાલકોઓએ ઓટાળા ગામે ગૌચર ખરાબાની જગ્યા પર દબાણ દૂર કરવા આપીલ કરી છે. આ આવેદનપત્ર આપવા છતા જો કોઈ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે અને તેમાં આવનાર તમામ પરિણામની જવાબદારી અધિકારીની રહેશે.
By Ghelabhai fangliya (Tankara)