Monday, September 23, 2024

ખેડૂતોની જમીનના સ્વાસ્થ્ય અંગેનો સાચો રિપોર્ટ એટલે સોઈલ હેલ્થ કાર્ડ યોજના

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ખેતીવાડી વિભાગ દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત જમીન ચકાસણી માટે માટીના નમૂના લેવાયા

સોઈલ હેલ્થ કાર્ડ યોજના અન્વયે લેવાયેલ નમૂનાના આધારે ખેડૂતોને પાક વાવેતર, માવજત તેમજ ખાતર બિયારણની ભલામણ કરાય છે : જીલ્લા ખેતીવાડી અધિકારી

મોરબી : જેવી રીતે કોઈપણ વ્યક્તિની તબિયત ખરાબ થાય છે ત્યારે ડોક્ટર પાસે દવા લેવા જાય અને ડોક્ટર વ્યકિતના સ્વાસ્થ્ય અંગેની સાચી હકીક્ત જાણવા માટે લેબોરેટરીમાં વ્યક્તિને મોકલીને લોહીના નમૂનાના આધારે લેવાયેલા રિપોર્ટના આધારે નિદાન અને ઉપચાર કરે છે તેવી જ રીતે ખેતર કે વાડીમાં પણ જમીનના સ્વાસ્થ્યની બાબત આવે ત્યારે ખેડૂતો પણ સોઈલ હેલ્થ રિપોર્ટ એટલે કે જમીનના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ લઈને યોગ્ય ખાદ્ય આપૂર્તિ કરવામાં આવે તો જમીનને જરૂરી પોષક તત્વો મળી રહે છે. જમીનને જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે જમીનની તપાસણી લેબોરેટરીમાં કરાવવા માટે રાજ્ય સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં છે.

આ સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત મોરબી જીલ્લાના 05 તાલુકાના 348 ગામના ખેતરમાંથી માટીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. દરેક ગામમાંથી 10 નમુના લેવાશે. નમુના લેવાયેલ માટીનું સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ પૃથ્થકરણ કરાશે. જીલ્લાના પ્રત્યેક ગામમાંથી 10 નમૂના મુજબ 3480 નમૂના લઈ જમીનની ગુણવત્તા જાણવા માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલાશે. નમૂનાના પૃથકકરણ બાદ કયા પાક માટે જમીન ઉત્તમ છે, કયા પોષક તત્વોની ખામી છે વગેરે જેવી બાબતો જાણી શકાશે. પૃથ્થકરણ મુજબ ખેડૂતોને પાક વાવેતર, માવજત તેમજ ખાતર બિયારણની ભલામણ કરવામાં આવે છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, સોઈલ હેલ્થ કાર્ડ એટલે જમીનની કુંડળી જેમાં જમીનનો પ્રકાર, જમીનમાં લભ્ય પોષક તત્વો, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાસ વગેરે વિગતો મળે છે. જમીનમાં પાક વાવેતર, ખાતરના વપરાશ તેમજ પાક ઉત્પાદનમાં સોઇલ હેલ્થ કાર્ડની મહત્વની ભૂમિકા છે. હાલ 3 હજારથી વધુ નમુના લેવાઈ ગયેલ છે અને હજુ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક તેમજ વિસ્તરણ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગ્રામ સેવક દ્વારા નમુના લેવામાં આવી રહ્યા છે.

વધુમાં ખાતરોની પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ, ખાતર આપવાની રીત અને સમય, સીઝન પૂર્વે સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડ પાછળનો હેતુ બહાર આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચેનો સેતુ બન્યો છે કે જેમાં માહિતીની આપ-લે બંને બાજુ થઈ શકે છે તેથી આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શક્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર