ગુજરાત મા ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન થવા નાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈ ફરી એક વખત મોટા સમાચાર સામે આવ્યા છે. આજે અમદાવાદમાં પાસની બેઠક મળી હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પાછા નહિ ખેંચાય અને શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી આપવામાં સરકાર કામગીરી નહિ કરે તો ફરી આંદોલન શરૂ થશે. આ જાહેરાત પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ પાટીદારો ફરી સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું હતું. ત્યારે હાર્દિક પટેલે પણ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં જ આંદોલન થશે એ જાહેર કરાયું છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, સમાજના આગેવાન દ્વારા મુખ્યમંત્રીને વાત કરવામાં આવશે. તેમજ 23 માર્ચ સુધી માગ ન સંતોષાય તો આંદોલન કરવામાં આવશે. જોકે અલ્પેશ કથીરિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ કેસ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.