મોરબી : મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે આજે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક ગાડીનું ટાયર ફાટયા બાદ બીજી ગાડી સાથે અકસ્માત થવાની સાથે કચ્છ તરફ જતી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ગાડી અથડાતા મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલ હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં સામખીયારી નજીક આવેલ કટારીયા ગામેથી માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષભાઈ રવેશિયાના પિતા મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, માતા સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળક રિયાંશનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
