હળવદનાં સ્વામિનારાયણ નગરમાં ખેડૂતના ઘરેથી 4 લાખ રોકડા, ચાંદીના દાગીનાની ચોરી
હળવદ: હળવદ શહેરમાં થોડા સમય શાંતિ બાદ ફરી તસ્કરો સક્રિય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. હળવદમાં ફરી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. શહેરના સ્વામિનારાયણ નગરમાં રહેતા ખેડૂતના ઘરેથી 4 લાખ રોકડા અને દાગીનાની ચોરીની કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા છે. તો ઘટનાને લઇને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
હળવદ શહેરમાં ચોરીની ઘટનાના અનેક બનાવો બને છે. ત્યારે આજે વધુ એક ઘરફોડ ચોરીની ઘટના બની છે. હળવદ શહેરમાં સ્વામિનારાયણ નગરમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ખેડૂત ચંદુભાઈ પ્રેમજીભાઈ દલવાડી વાડીએ ગયા બાદ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. અને ખેડૂતના ઘરમાંથી 4 લાખ રૂપિયા રોકડા અને ચાંદીના દાગીનાની ચોરી થયાની માહિતી મળી રહી છે. વાડીની ઉધડ દેવા માટે લાવેલા 4 રૂપિયાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા છે. તો ચોરીની ઘટનાને લઇને પોલીસને જાણ કરાતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.